મારો શામળિયો

મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી 
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય! 

ગગલીની માં તો 
જે મલકાય, જે મલકાય, મારી હાહુ...
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે 
ધોડું હડડ મસાણે

મારો ભંગિયાનોય બેલી ભગવાન! 

© Neerav Patel
Producción de Audio: Goethe Institut, 2015