સૃષ્ટિમંડાણની કથાઓ-માંથી

ન હતી કીડી
કે ન હતી પૃથ્વી
ત્યારની વાત છે.

ન હતી તે કીડીએ ચટકો ભર્યો ન હતી તે પૃથ્વીને
પૃથ્વીને ઢીમણું ઊપસી આવ્યું 
પહાડને ચટકો ભર્યો
વહી નીકળ્યું ઝરણું 

કીડીએ જળને ચટકો ભર્યો
જળની દૂંટી ખળભળી
ઊગી નીકળ્યું એક કમળ

કીડીએ કમળને ચટકો ભર્યો
એમાં પોઢેલી ગંધ ઊઠી ગઈ કાચી ઊંઘે 
ગંધે થોડાંક પગલાં માંડ્યાં
એ પગલાંનું નામ પવન પડ્યું 

કીડીએ પવનને ચટકો ભર્યો
ચિડાઈને સૂસવાટાભેર એણે લીધો એક ચકરાવો તે સનનન શૂન્ય 
તંગ તણાયું આકાશનું આવરણ દશે દિશામાં 

કીડીએ આકાશને ચટકો ભર્યો
આકાશને થયું રાતું ચકામું 
એની બળતરાનો પ્રકાશ ફેલાયો સર્વત્ર

કીડીએ ચટકો ભર્યો પ્રકાશને
જોતજોતામાં વિપર્યયના રંગનો પિંડવિહોણો પડછાયો ફૂટી નીકળ્યો 

કીડીએ પડછાયાને ચટકો ભર્યો
એના પગને અંગૂઠેથી પ્રગટ્યો એક નિષ્છંદ કવિ

કવિને ચટકો ભરતાંની સાથે 
એના રાતા સુઝેલા હોઠ અને રાતી દાઝેલી જીભમાંથી 
(ગુજ)રાતી ભાષા પ્રકટી 
હવે ન હતી તે કીડી
ખરેખર ન હતી બની ગઈ, નવરીધૂપ 
ચટકવાનું કામ ભાષાને સોંપીને

આમ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ 

© Harish Meenashru
Audio production: Goethe Institut, 2015